મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૩૩)


પદ (૩૩)

નરસિંહ મહેતા

સાંભલો, કામની, કૃષ્ણ પિયુ કહે, તાહારા મંદિર થકો નહિ રે જાઉં,
અવર કો નાર નહિ તુજ સમી જેહની કુસુમમાલા વડે હું બંધાઉ.

હું વનમાલી, તું કુસુમગુણવેલડી, સીંચું રે અમૃત-દૃષ્ટે કરી,
પ્રેમની વાડ કરું તુઝ પાખલે, રાખું રે સમરથ બાંહે ધરી.

સાંભલો, સુંદરી, એમ કહે શ્રી હરિ, કુસુમમાલા વડે હું રે બાંધ્યો,
ચૌદ ભુવન તણાં બંધન છોડવું, જાણું તે મોહની-મંત્ર સાધ્યો.

માન તું, માનની, માન માગી કહું, નહિ તજું મંદિર, બોલ દીધો,
નરસીયાસો સ્વામી સુખી તણો સાગર, પ્રેમ-શું સુરતસંગ્રામ કીધો.