મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૩૫)


પદ (૩૫)

નરસિંહ મહેતા

પ્રાત હવું, પ્રાણપતિ! ઇંદુ ગયો આથમી, કાં રહ્યો બાંહોડી કંઠ ઘાલી?
નાથ! મેલો હવે બાથ માંહો થકી, શું કરશો હવે બાંહ ઝાલી?
પ્રાત
અરુણ ઉદે હવો પૂરવ દિશા થકી, તેજ તારા તણું ક્ષીણ દીસે;
દીપક-જ્યોત તે ક્ષીણ થઈ, જાદવા! વચ્છ ધવરાવવા ધેન હીસે.
પ્રાત
લલિત અતિ સુંદરી લલિત આલાપતી, ઘેર દધિમંથન-ઘોષ થાયે;
શબદ સોહામણા સાવજાં અતિ કરે, સુરભિત શીતલ પવન વાયે.
પ્રાત
કમળ વિકસી રહ્યાં, મધુપ ઊડી ગયા, કુક્કુટા બોલે, પિયુ! પાય લાગું;
રવિ રે ઊગતાં લાજી એ ઘર જતાં, નરસૈંયાચા સ્વામી! માન માગું.
પ્રાત