મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૩૭)


પદ (૩૭)

રમણ સોની

કોણ પુન્યે કરી નાર હું અવતરી, શ્રીહરિ દિન થઈ માન માગે;
અમર અવિગતિ કહે, અકલ કો નવિ લહે, તે કમલાવર કંઠ લાગે.

યજ્ઞયાગે કરી યોગધ્યાને ધરી, બહુ તપ આદરી દેહકષ્ટે,
તોહુ તે હરિ સ્વપને ન પેખીએ, તે હરિ નિરખીએ પ્રેમદૃષ્ટે.

શેષ સુખાસન સેજ સદા સહી, ભવન જશું વૈકુંઠ કાહાવે,
તે પેં અધિક જે મંદિર માહરું, પ્રેમે પીતાંબર પલંગ આવે.

ભગતવછલ તણું બિરદ પોતે વહે, વેદ પુરાણ એમ સ્મૃત વાણી,
નારસહિંયાચો સ્વામી ભલે મલિયો, કીધી કૃપા મુને દીન જાણી.
ભક્તિ-જ્ઞાન-પ્રબોધનાં પદોમાંથી