મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૪)


પદ (૪)

નરસિંહ મહેતા

મહીડું મથવાને ઊઠ્યાં જશોદારાણી,
વિસામો દેવાને ઊઠ્યા સારંગપાણિ.

‘માતા રે જશોદા! તારાં મહીડાં વલોવું,
બીશો મા, માતાજી! ગોળી નહિ ફોડું.’

ધ્રૂજ્યો મેરુ રે, એને ધ્રાસકો લાગ્યો:
‘રવૈયો કરશે તો નિશ્ચે હું ભાંગ્યો.’

વાસુકિ ભણે: ‘મારી શી પેર થાશે?’
મારું નેતરું કરશે તો જીવડો જાશે.’

રત્નાકર કહે: ‘મુજમાં રતન નથી,
ઠાલો વલોવશે મુને ગોકુળપતિ.’

મહાદેવ જાણે, ‘મારી શી વલે થાશે,
હવેનું હળાહળ વિખ કેમ રે પિવાશે?’

બ્રહ્મા-ઇંદ્રાદિક વળતા લાગ્યા રે પાય:
‘નેતરું મૂકો, તમો ગોકુળરાય!’

જશોદાજી કહે: ‘હું તો નવનિધ પામી,
ભક્તવત્સલ મળ્યો નરસૈંયાનો સ્વામી.’