મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૪૦)
પદ (૪૦)
રમણ સોની
હું ખરે તું ખરો, હું વિના તું નહીં, હું રે હઈશ તાંહાં લગી તું રે હઈશે.
હું જતે તું ગયો, અનિર્વાચી રહ્યો, હું વિના તું તુંને કોણ કહેશે?
સગુણ હોય જાંહાં લગી, નિર્ગુણ તાંહાં લગી, તેમ કહે સદ્ગુરુ વાત સાચી;
સગુણ શમતાં નિર્ગુણ ગયો છે શમી, શેષપૂરણ રહ્યો અનિર્વાચી.
શિવ ને જીવનો ન્યાય તે એક છે, જીવ હોય તાંહાં લગી શિવ હોયે;
જીવ શમતાં શિવ સ્હેજે શમાઈ ગયો, ટળી જાય દ્વન્દ્વ એ નામ દોયે.
તાહરા માહરા નામનો નાશ છે, લૂણ ને નીર દૃષ્ટાંત જોતે;
મહેતો નરસૈં કહે: વસ્તુ વિચારતાં વસ્તુરૂપ થાશે રે વસ્તુ પોતે.