મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૪૧)


પદ (૪૧)

નરસિંહ મહેતા

જ્યાં લગી આતમા તત્ત્વચીન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી;
મનખાદેહ તારો એમ એળે ગયો, માવઠાની જેમ વૃષ્ટિ વૂઠી.

શું થયું સ્નાન, સંધ્યા ને પૂજા થકી? શું થયું ઘેર રહી દાન દીધે?
શું થયું ધરી જટા ભસ્મલેપન કર્યે? શું થયું વાળલુંચન કીધે?
જ્યાં
શું થયું જપ-તપ-તીરથ કીધા થકી? શું થયું માળ ગ્રહી નામ લીધે?
શું થયું તિલક ને તુલસી ધાર્યા થકી? શું થયું ગંગજળ-પાન કીધે?
જ્યાં
શું થયું વેદ-વ્યાકરણ વાણી વદ્યે? શું થયું રાગ ને રંગ માણ્યે?
શું થયું ખટદર્શન-ભેદ સેવ્યા થકી? શું થયું વરણના ભેદ આણ્યે?
જ્યાં
એ છે પરપંચ સહુ પેટ ભરવા તણા, જ્યાંહાં લગી પરિબ્રહ્મ ન જોયો;
ભણે નરસૈંયો: તત્ત્વદર્શન વિના રત્નચિંતામણિ જન્મ ખોયો.
જ્યાં