મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૬૨)


પદ (૬૨)

નરસિંહ મહેતા

મરમ-વચન કહ્યાં ભાભીને હુંને, તે માહરા પ્રાણમાં રહ્યાં વળૂંધી.
શિવ આગળ જઈ, એક-મનો થઈ, ધ્યાન કીધું દિવસ સાત સુધી.
મરમ
હરજીએ હેત ધરી, દીન જાણી કરી, પ્રગટ દર્શન દીધું શૂલપાણિઃ
તારી ભક્તિ ઉપર હું જ પ્રસન્ન થયો, માગ રે માગ,’ મુખ વદત વાણી.
મરમ
ગદ્‌ગદ કંઠે હું બોલી શકું નહિ, મસ્તકે કર ધર્યો મુગ્ધ જાણી;
અચેત ચેતન થયો, ભવ તણો અધ ગયો, સૂતી ઊઠી મારી આદ્ય વાણીઃ
મરમ
‘તમને જે વલ્લભ, હોય કાંઈ સુલ્લભ, આપો પ્રભુજી! હુંને દયા રે આણી.’
ગોપીનાથે હુંને અભેપદ આપિયું, નરસૈંયો હરિ-જશ રહ્યો વખાણી.
મરમ