મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૬૩)
પદ (૬૩)
નરસિંહ મહેતા
મહેતા પ્રત્યે તવ બોલિયાં તારુણીઃ ‘વિવાહ આવ્યો હવે દિન થોડે.
ઘર માંહે હું કાંઈ નથી દેખાતી, આવે સગાં રહ્યાં મુખ મોડે.
મહેતા
કુંકુમ નાડાં સોપારી શ્રીફળ નથી, નાથજી! હજી જઈ શેં ન શોધો?
નામ લો છો ‘હરિ’, આળસ પરહરી! કાં રે બેસી રહ્યા? બુદ્ધિ બોધો.
મહેતા
શેઠ ધારો કોઈ વૈષ્ણવ જનને, લીધા દીધાનો વહેવાર સાંધો;
‘અડ્યું રહેશે નહિ કાર્ય વિવાહ તણું, ચપળ થઈને હવે કેડ બાંધો.’
મહેતા
‘શેઠ મમ શામળો, સર્વથી છે ભલો, રાખ વિશ્વાસ, તે દેશે આણી;
નરસૈંયો નાગર રંક છે બાપડો, કરશે સંભાળ પોતાનો જાણી.’
મહેતા