મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૬૬)


પદ (૬૬)

નરસિંહ મહેતા

મહેતો કહેઃ ‘દીકરી! ભજને તું શ્રીહરિ, કરોને પહેરામણી, તેડો ડોસી;
આપણો શેઠ લક્ષ્મીસહિત આવિયો, નામ પ્રસિદ્ધ દામોદર દોશી.’
મહેતો
ધાઈ ચરણે નમી, શેઠાણી-મન ગમી, ‘આવો, પુત્રી!’ કહી માન દીધું;
‘લાવ્યાં પહેરામણી, જોઈએ તે લો ગણી,’ લખ્યા થકી પણ અધિક કીધું.
મહેતો
હરખ પામી ઘણુંઃ ‘કામ થયું આપણું,’ ધાઈ આવી વડસાસુ પાસ,
‘મહેણાં દેતાં ઘણું, ભક્તથી લાજતાં, તે લખપતિ તાતે પૂરી આશ.’
મહેતો
સાસુ-નણદી, ભોજાઈ-માસી-ફઈ, દેરાણી-જેઠાણી મળ્યાં છે ટોળે;
‘ધન્ય રે ધન્ય, વહુ!’ એમ બોલે સહુ, મરમ માંહે રહ્યાં મુખ મોડે.
મહેતો
આવી મળિયાં સહુ મંડપ માંહે બહુ, છાબ ઠાલી માંહે મેલી હૂંડી;
નરસૈંયાને જોઈને લોક વિસ્મે થયાંઃ ‘આ તો પહેરામણી કરશે રૂડી.’
મહેતો