મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૬૭)


પદ (૬૭)

નરસિંહ મહેતા

વિસ્મે થઈ નાત નાગર સહુ નિરખતીઃ ‘મિત્ર નરસિંયાનો ક્યાંથો આવ્યો?
રીધ ને સીધનો પાર નવ પામિયે, વસ્ત્ર વિધવિધ તણાં ક્યાંથી લ્યાવ્યો?
વિસ્મે
હસિત વદને હરિ એમ તિહાં ઓચર્યાઃ ‘કોટિ કારજ એવાં નિત્ય કરજો.
આવતાં વાર લાગી રે કાંઈ અમને, એટલું તમો અમ ક્ષમા રે કરજો.’
વિસ્મે
રમાએ કુંવરબાઈ રુદિયા-શું ચાંપિયાં; મસ્તક હાથ મૂકીને પૂછેઃ
‘આવડી દૂબળી કેમ કરી, દીકરી? કહે વારૂ, તને દુઃખ શું છે?’
વિસ્મે
ગદ્‌ગદ કંઠથી કુંવરબાઈ ઓચરેઃ ‘આજ મારું સહુ દુઃખ ભાંગ્યું;
તમ દર્શન વિના હું સદા દૂબળી, માતાનું દર્શન હું નિત્ય માંગું.
વિસ્મે
લક્ષ્મીજી તણાં આભરણ ઓપતાં, સર્વ સમર્પિયાં કુંવરી-હાથ;
‘મ્હેતાજી સાથે માયા એવી ક્યારની? માન તજી પૂછે વ્હેવાણ વાત.
વિસ્મે
લક્ષ્મીજી ઓચર્યાંઃ ‘આદિ ને અંતની માયા અમારી અમ્યો જ જાણું;
અમારે આ વૈભવ આપ્યો મહેતા તણો, એક રસના થકી શું વખાણું?
વિસ્મે
રીતે ને ભાત સહુ આપિયાં નાથજી; આજ્ઞા માગી પછી પ્રભુજી મ્હોતા;
આશ્ચર્જ પામિયા લોક ઊના તણા, અંતરધાન થ્યા સર્વ જોતાં.
વિસ્મે
નાગરી નાત તે સર્વ પાગે પડીઃ ‘ધન્ય મ્હેતાજી, ભક્તિ તમારી;
વિસ્મે