મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રેમરસ ગીતા પદ ૯
પદ ૯
એમ પરસ્પર હરિ ગુણ ગાતાંજી, વાર નવ લાગી રજની જાતાંજી; વાહાલા વાત ન આવે પારજી, રાત્રી રહી પાછલી ઘટી ચારજી. ૧
મહિડૂં વલોવે વૃજની બાળાજી, ગાય ગોવિંદગુણ અતીસેં રસાળાજી; નામધુની કોઈ ગાય મુખે ગીતજી, ચિંતવે અહરનીશ નાથને ચિત્તજી. ૨
- ઢાળ.
ચિત્ત ચિન્તન કરે નિશદીન. રસીકવરનાં રૂપનૂં;
ઉદ્ધવે વૃજ આસક્ત દીઠૂં, સરવે શ્યામસ્વરૂપનૂં. ૧
ધન ધન ભાયગ ગોપીનું જોઈ, ચિકીત ઓધવજી થયા;
કૃત કૃત્ય છે એમ કેહેતા, સ્નાનને અર્થે ગયા. ૨
એટલે અજવાળું તયું, સહૂ બાળા નીકળી બારણે;
દેખી પથ નંદદ્વારે મળી, સહુકો પુછવા કારણે. ૩
પરસ્પર પૂછે સખી, એ કોણ છે રથનો ધણી;
શું અક્રૂરિયો ફરીરે આવ્યો, એકવાર તો ગયો છે હણી. ૪
હોય એ દુસમન તો કરો સીક્ષા, ગોકુળથિ કાહાડો પરો;
હોય દયાના પ્રભુ પ્રાણવલ્લભ, કદાપી નિશ્ચે કરો. ૫