મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ભાલણ પદ (૬)


પદ (૬)

રમણ સોની

નાવિક વળતો બોલિયો...
નાવિક વળતો બોલિયો, સાંભળો માહારા સ્વામ;
સાથ સહુ કો નાવે બેસો, નહિ બેસારું રામ.

વાર્તા મેં સાંભળી છે, ચરણરેણુની અપાર;
અહલ્યા તાં થઈ સ્ત્રી સહી, પાષાણ ફીટી નાર.

આજીવિકા માહારી એહ છે, જુઓ મન વિવેક;
સ્ત્રી થાતાં વાર ન લાગે, કાષ્ઠ-પાષાણ એક.

આજીવિકા ભાંગે માહારી, આગે એક સ્ત્રી છે ઘેર;
બે મળીને શું જમે? શી કરું તાં પેર?

હસી વિશ્વામિત્ર બોલિયા, ચરણ-રેણે સ્ત્રી થાય;
તે માટે ગંગાજલ લઈને પખાલો હરિ-પાય.

હસીને હરિ હેઠા બેઠા, રામ અશરણ-શર્ણ;
નાવિકે ગંગાજલ લેઈને, પખાલ્યા તાં ચર્ણ.