મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ભાલણ પદ (૮)


પદ (૮)

રમણ સોની

નંદજી ન શકે બોલી
નંદજી ન શકે બોલી, દુ:ખ હૃદેથી ખોલી:
આંસુ વહે અતિ નયણે, લથબથ થાયે વયણે. ૧

વયણે અતિ લથબથ થાયે, ગદગદ કંઠે ઉચ્ચરે;
કામિની જે કૃષ્ણે કીધું, એવું કોયે નવ કરે. ૨

કંસને મારી કાજ સારી, દેવકી પાસે ગયા,
રિદ્ધિ દેખી રાજ્યની, પછે પુત્ર પીરાયા થયા. ૩

મુજ સામું જુએ નહિ, વસુદેવશું કરે વિનંતિ,
સગપણ સાચું ગયું કહિયે, રહ્યું નહિ એકે રતી. ૪

પ્રેમ પાખે મને ત્યાં, વાત તો એવી કહી,
તમો ગોકુલ પધારો, અમે પુત્ર તમારા નહિ. ૫

દેવકી(એ) હુંયે જણિયો, જશોદાએ હું પાળિયો,
કંસ-ભોએ રહ્યા તમ ઘર, તે આજ સંદેહ ટાળિયો. ૬

વચન તેનાં સાંભળી હું, દુ:ખ અતિ ઘણું પામિયો,
વળતો બોલી નવ શક્યો, મારે હૈડે ડીબો જામિયો. ૭

દામણો દેખી મને ત્યાં, હસીને બોલાવિયો,
ભાલણપ્રભુ રઘુનાથજીની, હું આશા મેલી આવિયો. ૮