મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં પદ (૧૨)
પદ (૧૨)
મીરાં
હાં રે કોઈ માધવ લ્યો
હાં રે કોઈ માધવ લ્યો, માધવ લ્યો, વેંચતી વ્રજનારી રે.
માધવને મટુકીમાં ઘાલી, ગોપી લટકે લટકે ચાલી રે.
ગોપી ઘેલું શું બોલતી જાય, કા’ન મટુકીમાં નવ સમાય રે.
નવ માનો તો જુઓ ઉતારી, માંહી જુઓ તો કુંજવિહારી રે.
વૃંદાવનમાં જાતાં દહાડી, વા’લો ગૌ ચારે ગિરિધારી રે.
ગોપી ચાલી વૃંદાવન વાટે, સહુ વ્રજની ગોપીઓ સાથે રે.
મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર; જેના ચરણકમળ સુખસાગર રે.