મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં પદ (૧૩)


પદ (૧૩)

મીરાં

વાગે છે રે વાગે છે
વાગે છે રે વાગે છે, વૃંદાવન મોરલી વાગે છે,
તેનો નાદ ગગનમાં ગાજે છે.
વૃંદા તે વનને મારગ જાતાં, (વહાલો) દાણ દધિનાં માગે છે.
વૃંદા તે વનમાં રાસ રચ્યો છે, (વહાલો) રાસ મંડળમાં બિરાજે છે.
પીળાં પીતાંબર જરકસી જામા, પીળો તે પટકો રાજે છે.
કાને તે કુંડળ મસ્તકે મુગટ, મુખ પર મોરલી બિરાજે છે.
વૃંદા તે વનની કુંજગલનમાં, વહાલો થનક થનક થૈ નાચે છે.
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ, દર્શન થકી દુ:ખ ભાગે છે.