મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં પદ (૧૭)


પદ (૧૭)

મીરાં

રામ રાખે તેમ રહીએ
રામ રાખે તેમ રહીએ, ઓધવજી! રામ રાખે તેમ રહીએ.
આપણે ચિઠ્ઠીના ચાકર છઈએ,
કોઈ દિન પે’રણે હીર ને ચીર, (તો) કોઈ દિન સાદાં રહીએ.
કોઈ દિન ભોજન શીરો ને પૂરી (તો) કોઈ દિન ભૂખ્યાં રહીએ.
કોઈ દિન રહેવાને બાગબગીચા (તો) કોઈ દિન જંગલ રહીએ.
કોઈ દિન સૂવાને ગાદી ને તકિયા, (તો) કોઈ દિન ભોંય સૂઈ રહીએ.
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ, સુખદુ:ખ સૌ સહી રહીએ.