મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં પદ (૩૬)
પદ (૩૬)
મીરાં
માવાને મા દઈશ
મ્હાવાને મા દઈશ, મા મોરી! મ્હાવાને મા દઈશ;
હું તો ઝીણેરું કાંતીશ, મા હું આછેરું પીલીશ.
ક્ષણમાં નનો ને ક્ષણમાં મોટો, અકળ કળ્યો નવ જાય,
એની સેવા કેઈ પેર સાધું, હેઠણીઓ નવ થાય.
નવલખ ધેનુ નંદઘેર દૂઝે; મેરુ રવૈયો ગોળી;
એનું વાસીદું કેઈ પેર વાળું, હું તો હૈયાની ભોળી.
ચૌદ લોક એના મુખમાં સમાયા, સાત સાગર નવ બેટ;
એનું રાંધણ કઈ પેર રાંધું, મ્હાવાનું મોટું પેટ.
નાનકડીઓ નખ જેટલો, એનો ઢોળિયો ધરણી ન માય;
મીરાં વ્રેહની વ્યાકુળી, મને વારે વારે શીદ વ્હાય?