મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં પદ (૩૮)


પદ (૩૮)

મીરાં

ગાય લાવી દ્યો
ગાય લાવી દ્યોને મારી ગોતી ગોતી, વ્રજવાસી ગોવાળિયા!
ગાય લાવી દ્યોને મારી ગોતી.
કહાના ગોવાળિયા! તમને ભળાવી’તી; હાવે કેમ કહો છો ગાય નહોતી?
આંખે છે આંજણાં ને મોંઢે છે મૂંઝણી, હૈયા સમાણી ગાય હોતી.
સોના શીંગડીએ ને રૂપાની ખરીએ, હીરલાની દોરીએ હોતી.
હાથે છે ચૂડલો ને ગોઠણમાં ધોંણીઓ; લટકે શું માવડી દોહતી.
માખણનો પિંડો હું તો મોટો ઉતારતી; હળવે શું મહીડાં વલોવતી.
ગોકુળ જોયું ને વૃંદાવન જોયું; જમના-તીરે ગાય નહોતી.
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ, ગાય આપતી’તી સાચાં મોતી.
ગાય લાવી દ્યોને મારી ગોતી.