મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/લોક-ગીતકારો પદ (૧૩)


પદ (૧૩)

વઢિયારી સાસુ
દાદા તે દીકરી વઢિયારી નો દેજો જો.
વઢિયારી સાસુડી, દાદા, દોયલી.

દિ’એ દળાવે મને રાતડીએ કંતાવે જો,
પાછલે ને પરોડિયે પાણીડાં મોકલે.

ઓશીકે ઇંઢોણી, વહુ, પાંગતે સીંચણિયું જો,
સામે ને ઓરડીએ, વહુ, તમારું બેડલું.

ઘડો બૂડે નૈ, મારું સીંચણિયું નવ પોગે જો,
ઊગીને આથમિયો કૂવાકાંઠડે.

ઊડતા પંખીડા! મારો સંદેશો લઈ જાજે જો.
દાદાને કે’જે કે દીકરી કૂવે પડે.

દાદાને કે’જે, મારી માતાને નો કે’જે જો.
માતા છે માયાળુ, આંસુ ઝેરશે.

કૂવે નો પડજો, ધીડી! અફીણિયાં નો ખાજો જો,
અંજવાળી આઠમનાં આણાં આવશે.

કાકાના કાબરિયા મામાના મૂંઝડિયા જો,
વીરાનો વાગડિયા વઢિયારે ઊતર્યા.

કાકે સીંચ્યું ને મારા મામાએ ચડાવ્યું જો,
વીરે ને ફોડાવ્યું વઢિયારને આંગણે.