મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/લોક-ગીતકારો પદ (૧૫)


પદ (૧૫)

કેર કાંટો
હાં કે રાજ!
વાવડીનાં પાણી ભરવા ગ્યાં,તાં
મને કેર કાંટો વાગ્યો.
હાં કે રાજ!
વડોદરાના વૈદડા તેડાવો!
મારા કાંટડિયા કઢાવો!
મને પાટડિયા બંધાવો!
મને કેર કાંટો વાગ્યો.
હાં કે રાજ!
ધોરાજીના ઢોલિયા મંગાવો!
માંહીં પાથરણાં પથરાવો!
આડા પડદલા બંધાવો!
મને કેર કાંટો વાગ્યો.
હાં કે રાજ!
ઘરમાંથી રાંધણિયાંને કાઢો!
મારી ધુમાડે આંખ્યું દુખે!
મને કેર કાંટો વાગ્યો.

હાં કે રાજ!
ઓશરિયેથી ખારણિયાને કાઢો!
મારા ધબકે ખંભા દુખે
મને કેર કાંટો વાગ્યો.

હાં કે રાજ!
આંગણિયેથી ગાવડલીને કાઢો!
એનાં વલોણાને સોતી!
મને કેર કાંટો વાગ્યો.

હાં કે રાજ!
સસરાજીને ચોવટ કરવા મેલો!
મને ઘૂંઘટડા કઢાવે!
મને કેર કાંટો વાગ્યો.

હાં કે રાજ!
નણંદડીને સાસરિયે વળાવો!
એનાં છોરુડાંને સોતી!
મને કેર કાંટો વાગ્યો.


હાં કે રાજ!
ફળિયામાંથી પાડોશણને કાઢો!
એના રેંટિયાને સોતી!
મને કેર કાંટો વાગ્યો.