મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/લોક-ગીતકારો પદ (૧૬)


પદ (૧૬)

લે’રિયાની લૂટાંલૂંટ
મારા લે’રિયામાં લાગી લૂંટાલૂંટ હો...ઓ
નણદલ માગે લે’રિયું રે બાઈ!

મારા દાદાનું દીધેલું લે’રિયું રે બાઈ!,
મારી માતાની બાંધેલ લાંક હો...ઓ
નણદલ માગે લે’રિયું રે બાઈ!

ચારે ખૂણે ચાર ડાબલા રે બાઈ,
નણદી, સારેરા જોઈ જોઈ લિયો હો...ઓ
નણદલ માગે લે’રિયું રે બાઈ!

શું રે કરું તારા ડાબલા રે બાઈ,
મને લે’રિયાની ઘણી ઘણી હામું...ઓ
નણદલ માગે લે’રિયું રે બાઈ!

ચારે ખૂણે ચાર બેડલાં રે બાઈ,
નણદી સારેરાં જોઈ જોઈ લિયો હો...ઓ
નણદલ માગે લે’રિયું રે બાઈ!
શું રે કરું તારાં બેડલાં રે બાઈ,
મને લે’રિયાની ઘણી ઘણી હામું હો...ઓ
નણદલ માગે લે’રિયું રે બાઈ!

સામી ઘોડહારે ચાર ઘોડલા રે બાઈ
નણદી સારેરાં જોઈ જોઈ લિયો હો...ઓ
નણદલ માગે લે’રિયું રે બાઈ!

શું રે કરું તારા ઘોડલા રે બાઈ!
મને લે’રિયાની ઘણી ઘણી હામું હો...ઓ
નણદલ માગે લે’રિયું રે બાઈ!

સામી વળગણીએ લે’રિયું રે બાઈ,
નણદી લઈને અદીઠડાં થાવ હો...ઓ
નણદલ માગે લે’રિયું રે બાઈ!