મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/લોક-ગીતકારો પદ (૨૦)


પદ (૨૦)

અબોલા ભવ રહ્યા
મેં તો ડુંગર કોરીને ઘર કર્યાં,
મેં તો આભનાં કર્યાં રે કમાડ
સાયબા, અબોલા ભવ રિયા!

મેં તો અગરચંદણનો ચૂલો કર્યો,
મેં તો ટોપરડે ભર્યો રે ઓબાળ
સાયબા, અબોલા ભવ રિયા!

મેં તો દૂધ ને સાકરનો શીરો કર્યો,
તમે જમો, નાની નણદીના વીર
સાયબા, અબોલા ભવ રિયા!

મેં તો દાતણ દીધાં ને ઝારી વીસરી,
દાતણ કરો, નાની નણદીના વીર
સાયબા, અબોલા ભવ રિયા!

મેં તો નાવણ દીધાં ને કૂંડી વીસરી,
નાવણ કરો, નાની નણદીના વીર
સાયબા, અબોલા ભવ રિયા!

મેં તો ભોજન દીધાં ને થાળી વીસરી,
ભોજન કરો, નાની નણદીના વીર
સાયબા, અબોલા ભવ રિયા!

મેં તો મૂખવાસ આલ્યાં ને એલચી વીસરી,
મુખવાસ કરો, નાની નણદીના વીર
સાયબા, અબોલા ભવ રિયા!


મેં તો પોઢણ દીધાં ને ઢોલિયા વીસરી,
પોઢણ કરો, નાની નણદીના વીર
સાયબા, અબોલા ભવ રિયા!