મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/લોક-ગીતકારો પદ (૨૨)
પદ (૨૨)
સૈયર, મેંદી લેશું રે!
મેંદી લેશું, મેંદી લેશું, મેંદી મોટાં ઝાડ,
એક હલાવું ડાળ ત્યારે ડાળાં હલે ચાર
સૈયર! મેંદી લેશું રે.
મારી સાસુએ એમ કહ્યું કે વાસીદાં વાળી મેલ્ય,
મેં ભોળીએ એમ જાણ્યું કે સાવરણી બાળી મેલ્ય,
સૈયર! મેંદી લેશું રે.
મારી સાસુએ એમ કહ્યું કે પાણીડાં ભરી મેલ્ય,
મેં ભોળીએ એમ માન્યું કે બેડલાં ફોડી મેલ્ય,
સૈયર! મેંદી લેશું રે.
મારી સાસુએ એમ કહ્યું કે રોટલા ઘડી મેલ્ય,
મેં ભોળીએ એમ માન્યું કે ચૂલા ખોદી મેલ્ય,
સૈયર! મેંદી લેશું રે.
મારી સાસુએ એમ કહ્યું કે કોડ માં દીવો મેલ્ય,
મેં ભોળીએ એમ માન્યું કે સોડમાં દીવો મેલ્ય,
સૈયર! મેંદી લેશું રે.