મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/લોક-ગીતકારો પદ (૩)


પદ (૩)

વેરણ ચાકરી
ઊભી ઊભી ઉગમણે દરબાર,
રે કાગળિયા આવ્યા રાજના રે લોલ!

ઊઠો, દાસી, દીવડિયા અંજવાસો
રે કાગળિયા આવ્યા રાજના રે લોલ!

શેની કરું દીવડિયાની વાટ્યું
રે શેણે રે દીવો પરગટું રે લોલ!

અધમણ રૂની કરી છે વાટ્યું
રે સવા મણ તેલે પરગટ્યો રે લોલ!

બાળ્યાં બાળ્યાં બાર ઘાણીનાં તેલ
રે તો યે ન કાગળ ઉકેલ્યો રે લોલ!

ઊગ્યો ઊગ્યો પૂનમ કેરો ચંદર
રે સવારે કાગળ ઉકેલ્યો રે લોલ!

કોરે મોરે લખિયું છે સો સો સલામું
રે વચાળે વેરણ ચાકરી રે લોલ!

ચાકરીએ મારા સસરાજીને મેલો
રે અલબેલો નૈ જાય ચાકરી રે લોલ!

સસરા ઘેરે દરબારી છે, રાજ
રે દરબારી પૂરા નૈ પડે રે લોલ!

ચાકરીએ મારા જેઠીડાને મેલો
રે અલબેલો નૈ જાય ચાકરી રે લોલ!

જેઠ ઘેરે જેઠાણી ઝીણાબોલી
રે ઊઠીને ઝઘડો માંડશે રે લોલ!

ચાકરીએ મારા દેવરજીને મેલો
રે અલબેલો નૈ જાય ચાકરી રે લોલ!

દેર ઘેરે દેરાણી નાનું બાળ
રે મો’લુંમાં એકલ નૈ રહે રે લોલ!

આવશે રે કાંઈ શિયાળાના દા’ડા
રે ટાઢડિયું તમને લાગશે રે લોલ!
સાથે લેશું ડગલા ને કાંઈ ડોટી
રે ગોરાંદે ટાઢ્યું શું કરે રે લોલ!

આવશે રે કાંઈ ઉનાળાના દા’ડા
તડકલિયા તમને લાગશે રે લોલ!

સાથે લેશું છતરી ને કાંઈ છાયા
રે ગોરાંદે તડકા શું કરે રે લોલ!

આવશે રે કાંઈ ચોમાસાના દા’ડા
રે મેવલિયા તમને ભીંજવે રે લોલ!

સાથે લેશું મીણિયા ને કાંઈ માફા
રે ગોરાંદે મેવલા શું કરે રે લોલ!

લીલી ઘોડી પાતળિયો અસવાર
રે અલબેલો ચાલ્યા ચાકરી રે લોલ!

ઝાલી ઝાલી ઘોડલિયાની વાઘું
રે અલબેલા! ક્યારે આવશો રે લોલ!

ગણજો ગોરી પીપળિયાનાં પાન
રે એટલે તે દા’ડે આવશું રે લોલ!

ગોરી મોરી આવડલો શો હેડો
રે આંખોમાં આંસુ બહુ ઝરે રે લોલ!