મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/લોક-ગીતકારો પદ (૩૦)


પદ (૩૦)

ઘરે આવોને!
શેરી વળાવી સજ કરું, ઘરે આવો ને!
આંગણીએ વેરું ફૂલ, મારે ઘરે આવો ને!

ઉતારા આપીશ ઓરડા, ઘરે આવો ને!
મેડીના મો’લ જ દૈશ, મારે ઘરે આવો ને!          – શેરી વળાવી

દાતણ આપીશ દાડમી, ઘરે આવો ને!
કણેરીની કાંબ જ દૈશ, મારે ઘરે આવો ને!          – શેરી વળાવી

નાવણ આપીશ કૂંડિયું, ઘરે આવો ને!
ઝીલણિયાં તળાવ દૈશ, મારે ઘરે આવો ને!          – શેરી વળાવી

ભોજન આપીશ લાપશી, ઘરે આવો ને!
સાકરિયો કંસાર દૈશ, મારે ઘરે આવો ને!          – શેરી વળાવી

મુખવાસ આપીશ એલચી, ઘરે આવો ને!
પાન બીડલાં દૈશ પચાસ, મારે ઘરે આવો ને!          – શેરી વળાવી

પોઢણ આપીશ ઢોલિયા, ઘરે આવો ને!
હીંડોળા ખાટ જ દૈશ, મારે ઘરે આવો ને!          – શેરી વળાવી