મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/લોક-ગીતકારો પદ (૩૧)


પદ (૩૧)

વીડી વાઢનારાં
સાવ રે સોનાનું મારું દાતરડું રે લોલ (૨)
હીરનો બંધિયો હાથ, મુંજા વાલમજી લોલ!
હવે નૈ જાઉં વીડી વાઢવા રે લોલ.

પરણ્યે વાઢ્યા રે પાંચ પૂળકા લોલ (૨)
મેં રે વાઢ્યા છે દસ વીસ, મુંજા વાલમજી લોલ.          – હવે

પરણ્યાનો ભારો મે ચડાવિયો રે લોલ (૨)
હું રે ઊભી વનવાટ, મુંજા વાલમજી લોલ.          – હવે

વાટે નીકળ્યો વાટમારગુ રે લોલ (૨)
ભાઈ મુને ભારડી ચડાવ, મુંજા વાલમજી લોલ.          – હવે

પરણ્યાને આવી પાલી જારાડી રે લોલ (૨)
મારે આવેલ માણું ઘઉં, મુંજા વાલમજી લોલ.          – હવે

પરણ્યે ભર્યું છે એનું પેટડું રે લોલ (૨)
મેં રે જમાડ્યો મારો વીર, મુંજા વાલમજી લોલ.
હવે નૈ જાઉં વીડી વાઢવા રે લોલ.