મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/લોક-ગીતકારો પદ (૪)


પદ (૪)

ઝીલણિયાં
એક વણજારી ઝીલણ ઝીલતી’તી
મેં તો પે’લે પગથિયે પગ દીધો,
મારી ખોવાણી નવરંગ નથ, માણારાજ
વણજારી ઝીલણ ઝીલતી’તી.

મારરા સસરાંનાં ઝીલણ ઝીલતી’તી
મારી ખોવણી નવરંગ નથ, માણારાજ. – વણજારી

મેં તો બીજે પગથિયે પગ દીધો,
મારો તૂટ્યો તે નવસરો હાર, માણારાજ. – વણજારી

મારી સાસુનાં ઝીલણ ઝીલતી’તી,
મારું ખોવાણું મોતીડું લાખ, માણારાજ. – વણજારી

મેં તો ત્રીજે પગથિયે પગ દીધો,
મારી ખોવાણી હાથ કેરી વીંટી, માણારાજ. – વણજારી

મારી નણદીનાં ઝીલણ ઝીલતી’તી,
મારી ખોવાણી કાંડા કેરી કાંકણી હો રાજ. – વણજારી

મેં તો ચોથે પગથિયે પગ દીધો,
મારો મચકાણો કેડ કેરો લાંક, માણારાજ. – વણજારી

મારા પરણ્યાનાં ઝીલણ ઝીલતી’તી,
મારે ઊગ્યો તે સોળરંગો સૂર, માણારાજ. – વણજારી