મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૧૦૮.જેસલ


૧૦૮.જેસલ

જેસલ
પીર તરીકે પૂજાતા આ સંત રાજપૂત હતા, બહારવટે ચડી ઘણાંની હત્યા કરેલી, દરિયામાં બૂડતા એમને બચાવતાં તોરલ(રાણી) આગળ એમણે પાપનો એકરાર કરેલો – એવું એમને ને તોરલને નામે મળતાં લોકવાણીનાં આ ભજનો પરથી અનુમાની શકાય છે.
૨ પદો


પાપ તારું પરકાશ

પાપ તારું પરકાશ જાડેજા ધરમ તારો સંભાળ રે...
તારી બેડલીને બૂડવા નહિ દઉં જાડેજા એમ તોરલ કે’છે ...ટેક.

કીધાં મેં વકરમ કામ, સતીરાણી...(૨)
બેડલી મારી નહિં તરે, તોરલદે રે એમ જેસલ કે’છે... ૧.

તોડી સરોવર પાળ, સતીરાણી...(૨)
ગૌધન તરસ્યાં વારીયા, તોરલદે રે એમ જેસલ કે’છે... ૨.

હરણ હણ્યાં લખ ચાર, સતીરાણી...(૨)
વનના મોરલા મારીયા, તોરલદે રે એમ જેસલ કે’છે... ૩.

ડુંગરે લગાડ્યા દવ, સતીરાણી...(૨)
બેન-ભાણેજાં દૂભવ્યાં, તોરલદે રે એમ જેસલ કે’છે... ૪.

લૂંટી કુંવારી જાન, સતીરાણી...(૨)
સાતવીશુ મોડબંધા મારીયા, તોરલદે રે એમ જેસલ કે’છે... ૫.

બોલ્યા રે જસલપીર, સતીરાણી...(૨)
તમે તર્યા અમને તારજો, તોરલદે રે એમ જેસલ કે’છે... ૬.
 

રુદિયો રુવે
રોઈ રોઈ કેને સંભળાવું રે, જેસલજી કે’ છે,
ઊંડાં દુખ કેને સંભળાવું રે જાડેજો કે’ છે
રુદિયો રુવે રે મારો ભીતર જલે.

અમે હતાં, તોળી રાણી! ખારી વેલ્યે તુંબડાં,
તમ આવ્યે મીઠડાં હોય રે જાડેજો કે’ છે          રુદિયો૦

અમે હતાં, તોળી રાણી! ઊંડે જળ બેડલાં,
તમે રે ઉતારો ભવપાર, જાડેજો કે’ છે          રુદિયો૦

કપડાં લાવો, તોળી રાણી, સાબુએ સુધારું,
નિંદા થકી ઊજળાં હોય. જાડેજો કે’ છે          રુદિયો૦

તમે જાવ, તોળી રાણી, વડે સુંધે વાયકે,
તમ વિના દિનડા નવ જાય, જાડેજો કે’ છે          રુદિયો૦

દોયલી વેળાની તોળી રાણી, ગાયત્રી સંભળાવો
સંભળાવ્યે મુગતિ હોય, જાડેજો કે’ છે          રુદિયો૦