મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૧૨૩.હરજી ભાટી


૧૨૩.હરજી ભાટી

હરજી ભાટી
રામદેવ પીરના ભક્તમંડળના એક સંત કવિ
૧ પદ

વાગે ભડાકા ભારી ભજનના...
વાગે ભડાકા ભારી ભજનના, વાગે ભડાકા ભારી રે હો જી...
બાર બીજના ધણીને સમરૂં નકળંગ નેજા ધારી...
–ભજનના વાગે ભડાકા ભારી રે...૦

ધ્રુવ રાજાએ અવીચળ સ્થાપ્યો, પ્રહલાદ લીધો ઉગારી રે હો જી...
સંધ્યા ટાણે દૈત્ય સંહાર્યો, હરિએ નોર વધારી...
–ભજનના વાગે ભડાકા ભારી રે...૦

તારાદેનું સત રાખવા માળી બન્યા’તા મોરારી રે હો જી...
સુધન્વાને નાખ્યો કડામાં, ઉકળતી દેગ ઠારી...
–ભજનના વાગે ભડાકા ભારી રે...૦

તોળી રાણીએ ત્રણ નર તાર્યા, જેસલ ઘરની નારી રે હો જી...
માલે રૂપાનાં હેરણાં હેર્યા, આરાધે મોજડી ઉતારી...
–ભજનના વાગે ભડાકા ભારી રે...૦

પળે પળે પીર રામદેને સમરૂં, એ છે અલખ અવતારી રે હો જી...
હરિ ચરણે ભાટી હરજી બોલ્યા, ધણી ધાર્યો નેજાધારી...
–ભજનના વાગે ભડાકા ભારી રે...૦