મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૧૬.દેહલ-અભિવન-ઊઝણું


દેહલ-અભિવન-ઊઝણું

દેહલ (૧૬મી સદી) આ કવિનું, ચોપાઈ-દોહરાની ૪૦૦ ઉપરાંત કડીઓમાં લખાયેલું આખ્યાન-કાવ્ય ‘અભિવન-ઊંઝણું’ઉત્તરાને તેડી લાવવા અભિમન્યુએ મોકલેલા આણા(ઊઝણૂં)ના પ્રસંગને આગવી રીતે આલેખતું, ગુજરાતીનાં અભિમન્યુ-વિષયક કાવ્યોમાં સૌથી જૂનું ગણાયું છે. કવિની વર્ણનશક્તિ પણ નોંધનીય છે.

‘અભિવન-ઊંઝણું’-માંથી

(અભિમન્યુનો શૌર્યાદ્ગાર )
એહવાં વચન શ્રવણે સુણી, ચરણિ ઝાલા મસ્તકિ નીસરી;
તેહનું માથા ખસિઉં પાગરણ, તેણી ત્રોડીઉ નવસરિ હાર;
શોક ધરી રે રાણી સુભદરા.
ફરકિ ફરકિ રૂંગું આવિ, સુભદ્રા અન ન ભાવિ;
ચડી કોશીશિ ચહુ દિશિ ચાહિ: "હજી અરજન કાં ન આવિ?"

એક પુત્રની માય ભણીજિ, કાલિ સર્પ્પિ ખાધ;
અરજન તાં જાલંધર ચાલ્યા, બાલિ રણવટ બાંધ્ય.

એક આંખિ અણઆંખિ જ માંહિ, તે મુઝ લાગિ છોહ;
માહરિ બાલુડિ તાં રણવટ બાંધયિઉ, હીયડું ન ફાટિ, લોહ.

માહરુ મદિમાતુ, નિ બેહુ પખિ સુધુ, કુણ કહિસિ રવિ રુંધિઉ?
જેણિ ઊસરીઇ અર્જુન તુ તેણિ ધુંસરીઇ જૂતુ,

એક પુત્ર છિ યેહનિ ઘરિ તેહનૂં ઘર સૂનું બાલુ રણવટિ જાઇ;
બાલાનુ પિતા જુ ઘરિ જ હોઇ, તુ અભિવનનિ રાણિ ન મોકલિ કોઈ.

થાન તણી મુખિ આવિ ધાણિ, તે કમ ખમસિ રાણોરાણિ?
સીહ તણી આરેણિ ભણી જિ, સોઇ કિમ સુણી જાય?
માહરિ બાલુડિ તાં રણવટ બાંધઉ, રાજ કરે તું રાય!"

કૃષ્ણ રે બાલિથિ યમુનાજલ ડોહીઉં, ફોડીઉં સપત પિઆલ,
કંસનાં કમલ સમાર્યાં રે.

(ડુઢિ)
કંસનાં કમલ સમાર્યાં, નાથિયુ કાલીનાગ;
બાલ તિ વામનિં વાસુદેવિં મહી ભરી ત્રિણિ પાગ.

બાલુ હુતાસન જગ દહિ, અથિર નિ અસમાનિ;
બાલિ તે વજ્રનિ થંભ ફાડિઉ, નહી કહિ સમાન.

બાલુ તે વીસહર-ડંકણુ, ભાર કરિ અખંપ;
બાલુ દડુલો ઝોટાવિયુ, યમુના તે દીધી ઝંપ.

બાલુ તે જલહર વરસણુ, નીર ભરિ નવખંડ;
પરઘલ પાણી, અન્ન-નિસપતિ, આસ કરિ અખંડ.

બાલુ તે શશિહર ઊગમિ, જે નવિ ખંડિ ઊજાસ.
બાલુ તે અતિઘણ પ્રાણ મંડિ, માતા! પૂરણ આસ.

બાલુ તે દિણયર ઊગમિ, ગાલા ઘૂટિ ગાઇ;
વાછરુ પયપાન પામિ, સાંભલિ, ભોલિ માઇ!"

સહુ મિલી મંગલ ચ્યારિ ગાતુ: ‘અમર હોજ્યો બાલ;
મૃદંગ ઝાલર ભેર ભૂંગલ, તવિલ તાલ કંસાલ.

"બાલિ તે યમુનાજલ ડોહીઉં, ફોડીઉં સપત પિઆલ;
કંસનાં કમલ સમાર્યા રે.

(પૂર્વછાયુ)
બાલુ કેશરિ વનિ વાસિ, તિ ભગ્ગ હસ્તીનાં યૂથ ત્રાસિ;
બાલુ રતન અમૂલિક હોઇ, માત! તે પરમારથ જોઇ રે.

કેસરિ લહુડુ ગઇ વડુ, એ દલ અવદલ વિનાણ,
લૂંઠ વડાઇ સૂં કરિ? વઢૂં-ન ક્ષત્રપ્રમાણ.

હું કેસરિ, દૂઅંગમો, હણિઉ ગયંદા-માણ;
પૃથિવી કરું ન-કૂરવી, તુ તૂં–જાય પ્રમાણ."