મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૧૮.બ્રેહેદેવ-ભ્રમરગીતા


૧૮.બ્રેહેદેવ-ભ્રમરગીતા

આ સંસ્કૃતજ્ઞ વૈષ્ણવ કવિની ૪૦ કડવાંની ‘ભ્રમરગીતા’ ગોપી-ઉદ્ધવ વચ્ચેના મરમાળા સંવાદરૂપે લખાયેલી ને પદબંધની વિશેષતાવાળી મહત્ત્વની કૃતિ છે. એ ઉપરાંત એમણે પદરચના પણ કરેલી છે.

ભ્રમર-ગીતા -માંથી

વિરહની વેધી વિરહણી ઉચ્ચરઇ,
મનોહર વાંણી ઉદ્ધવજી મન ધરઇ.
તેણી સમિ આવી મધુકર સ્વર કરઇ,
ચેરણ ગોપિનઇ સહિજિ અનુસરઇ.
ડૂઢિ
અનુસરઇ અલીઅર ચરણઇ, ગોપી ખેદ પાંમી તાંહાં સ્થકી,
"મુજ અડિસ માં, તું રહેની અલગઉ, જા તૂ આવ્યઉ જાંહાં સ્થકી!"
મધુકરને મિષંતરે ઉદ્ધવને, કહઇ છિ વ્રજ અંગના,
"સ્યૂં સુદ્ધ લેવા આવિયઉ?, જા દુષ્ટ, દૂત શ્રીરંગના!
દેખાડવા તાહરુ વદન રાતૂ, માંડ ગોકુલ મોકલ્યઉ;
પલઉ નંદનઉ ગોવાલીઉ, સ્યું આજ થઈ બેઠઉ ભલઉ!
મધુપ! મેં સહી જાણીઉ વદન–રાતૂ–માં શોભા ધરે!"
એહવાં આકરાં વચન સુણઇ ઉદ્ધવ, વિરહની વેધી ઉચ્ચરઇ.
કાલા સઘલા હૂઇ કૂડિ ભરા,
ચંપક સરીખા કાલિ પરિહરાં.
તહ્નો સ્યૂં કાલાનિ ઉદ્ધવ, અનુસરું?
આગિ અમસ્યૂં કાલિ છેહ કરુ?
ડૂઢિ
છેહ કરિ છેહાં છલ રમ્યું, પછિ માંડ મધુકર મોકલ્યું;
મન મનાવા મુખ ગાન કરતું, ચતુર ચરણે નમુ ભલું.
ધર લગી યેહનું ધણી ધૂરત, ભ્રાત તેહના કિમ હુઈ ખરા?
તોરુ વદન રાતુ ભાઈ! અમસ્યું, માણ્ય મોટમ્ય, મધુકરા.
માહારિ સઉક્યનિ ઉર્ય અનુસરુ, ત્યારિ કુચ-કુંકમ લાગીયું;
વનમાળા તે તારિ લહી, જ્યારિ અવસ આસન માગીયું.
માલા તણું મકરંદ લેતાં, હવું ભૂષણ મધુકરા!
(ગદ્ગદ્ કંઠિ કિહિ ગોપી) કાલા સઘલા હઇ કૂડિ ભરાં!"
"સાંમલડાંનિ રખે કો વીસસિ;
સામલડાં-માંહિ સિહિજે વિષ વસી.

શ્યામ ભોયંગમ પય પાતાં ડસિ:"
વયણ સુણીનિ ઉદ્ધવ મંન્ય હસિ.
ડૂઢિ
મંન્ય હસિ, ઉદ્ધવ મોહ પામ્યા, ભક્તિ દીઠી નારની;
જલ નયણ મૂકિ, વયણ સૂકિ, કરિ વાત મોરારની.
"મધુપતી ગત્ય એહવી, નિ કાલા એ કૈતવ જાણિવા;
નવ-કમલ ઉપરિ નેહ ધરિ, મકરંદ તેહનું માણિવા.
કાલુ છે કર્મ કૃપા-રહિત, કાલુ નીગુણ-સગુણ કાંઈ નવ્ય લહિ,
જિહિનું રૂપ પાર વિચારતાં, ‘નેતિ નેતિ’ નિગમ કહિ.
નટ-વેષ વ્રજલીલા ધરિ, પરનાર્ય-શ્યૂં પ્રેમ હસિ,
એહેવું જાણી જુઉ ઉદ્ધવ! સામલડાંનિ રખે કો વીસસિ."