મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૧. આદ્યાશક્તિની


૧. આદ્યાશક્તિની

શિવાનંદ

૧. આદ્યાશક્તિની
જય આદ્યા શક્તિ મા, જય આદ્યા શક્તિ
અખંડ બ્રહ્માંડમાં વ્યાપ્યાં પડવે પંડે મા.
જયો જયો મા જગદંબે.

દ્વિતીયા બેય સ્વરૂપ, શિવ શક્તિ જાણું
બ્રહ્મા ગણપતિ ગાવું, હર ગાઉ હરિ મા           જયો.

તૃતીયા ત્રણ સ્વરૂપ, ત્રિભુવનમાં બેઠાં
ત્રયસ્થકી ત્રિવેણી મા, તુ ત્રિવેણી મા          જયો.

ચોથે ચતુરા મહાલક્ષ્મી, મા સચરાચર વ્યાપ્યાં
ચાર ભુજા ચૌદિશા પ્રગટ્યાં દક્ષિણમાં          જયો.

પંચમી પંચ ઋષિ, પંચમે ગુણપદમાં
પંચ સહસ્ર ત્યાં સોહિયે પંચે તત્વોમાં          જયો.

ષષ્ટિ તું નારાયણી, મહિષાસુર માર્યો
નરનારીના રૂપે વ્યાપ્યાં સઘળે મા          જયો.

સપ્તમી સપ્ત પતાળ, સાવિત્રી સંધ્યા
ગૌ ગંગા ગાયત્રી ગૌરી ગીરજા મા          જયો.

અષ્ટમી અષ્ટ ભુજા, આઇ આનંદા મા
ઋષિવર મુનિવર જનમ્યા દેવ દાનવમાં          જયો.

નવમી નવકુળ નાગ, સેવે નવદુર્ગા મા
નવરાત્રિનાં પૂજન શિવરાત્રીનાં અર્ચન
કીધાં હર બ્રહ્મા          જયો.

દશમી દશ અવતાર, જય વિજયા દશમી
રામે રામ રમાડ્યા રાવણ રોળ્યો મા          જયો.

એકાદશી અગીયારસ, કાત્યાયની કામી મા
કામદુર્ગા કાલિકા શ્યામા ને રામા          જયો.

બારસે બાળા રૂપ, બહુચરી અંબામા મા
બટુક ભૈરવ સોહિયે, કાળ ભૈરવ સોહિયે.
તારા છે તું જ મા          જયો.

તેરસે તુળજા રૂપ, તું તારિણી માતા મા
બ્રહ્મા વિષ્ણુ સદા શિવ, ગુણ તારા ગાતા           જયો.

ચૌદસે ચૌદા રૂપ, ચંડી ચામુંડા મા
ભાવ ભક્તિ ઘણી આપો, ચતુરાઇ ઘણી આપો,
સિંહવાહિની માતા જયો.

સંવત સોળ સત્તાવન, સોળસે બાવસી મા
સંવત સોળમાં પ્રગટ્યાં રેવાને તીરે જયો.

ત્રંબાવટી નગરી, મા ચંપાવતી નગરી,
મા રૂપાવટી નગરી
સોળ સહસ્ર ત્યાં સોહિયે કૃપા કરો ગૌરી          જયો.

શિવ શક્તિની આરતી, જે કોઇ ગાશે મા
ભણે શિવાનંદ સ્વામી સુખ સંપત થાશે
કૈલાશે જાશે
મા અંબા દુખ હરશે જયો જયો મા જગદંબે.