મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૨૦.માંડણ બંધારો-પ્રબોધ-બત્રીસી


૨૦.માંડણ બંધારો-પ્રબોધ-બત્રીસી

અખા પૂર્વેના જ્ઞાનમાર્ગી કવિ. લૌકિક કહેવતોને ગૂંથતી એમની ૨૦-૨૦ કડીનો એક એવા બત્રીસ અંશોમાં લખાયેલી કૃતિ ‘પ્રબોધબત્રીસી/માંડણ બંધારાનાં ઉખાણાં’માં આવી લાક્ષણિક કવિતા છે.

પ્રબોધબત્રીસી-માંથી


વૈષ્ણવ હરિનામિ પૂરીઉં, અન્ય પ્રબોધ ભલા તાં દીઉ,
‘ક્ષાર સમુદ્રમાંહિ મીઠું કૂઉ,’ બીજી શીય મતિ તસ દીઉ?
ગાઢુ ગુરુ થઈ દક્ષા દીઇ એ ‘આંબિઇ તોરણ બાંધીઇં.’

ફલકાલિ તરુઅર નમતા જોઇ, ‘પયભારી ગૌ સો પરિ હોઇ.’
વૈષ્ણવ વિગતઇ કરે પ્રણામ, હરિઇ કીધાં મનિ વિશ્રામ.
વૈષ્ણવ મનિ અહંકાર નવિ ધરઇ, ‘ઊંચા મેહ નીચા થૈ ભરઇ.’

સજન મનિ ન હરિપદ ટલઇ, લોક માહિ સિરખા થઈ મિલઇ,
નાચી કુંભ શીશિ સાચવઇ, વાટઇ વાત પરિ પ્રીછવઇ.
‘હાથીદાંત બિહુ પરિ હૌઆ, ચાવઈ અન્ય દેખાડી જૂઆ.’
(‘સજ્જનવીશી’માંથી)


‘ઇંદ્રઇ વસિ કિમ રાખી શિકાઇ? ‘ભારુ સાપ તણુ ન બંધાઇ.’
‘પાણીમાંહિ દીપ કિમ ભડઇ?’ ‘ભાગુ મોતી પછઇ નવિ જડઇ.’
‘ફાટઇ આભિ થીગડ કિહાં લાઇ?’ ‘પાણી નવિ પોટલઇ બંધાઇ.’
(‘યોગવિડંબન વીશી’માંથી)


માહિ મલાઇ નઇ કરિ સનાંન, પરદ્રોહી નઇ આપિ દાન.
‘મુહિ મીઠા અંતરિ ગુણ જૂઆ’, માહિ મોટા વિષના લાડૂઆ.
ઇમ કરતાં કિમ જાશુ પારિ? ‘મીની જઇ આવી કેદારિ.’
(‘પાખંડવીશી’માંથી)


પાપમતિ નઇ મદિરા પીધ, ‘વઢકણી વહુ નઇ પ્રીય પક્ષ કીધ.’
હૃદય સૂનું ભાંગિ વાવરઇ, વ્યાધિં પીડ્યું દુ:કૃત કરઇ.
કમાર્ગી નઇ કસંગતિ જડી, ‘યંમ કારેલી લીંબડિ ચડી.’
(‘હાસ્યવીશી’માંથી)


‘પામર શા પ્રતિબોધા વરઇ? અંધ અરીસુ કહિ શું કરઇ?’
‘આણીતાં આધેરુ જાઇ, વારીતાં વાંકેરુ થાઇ.
‘સ્વાંન પૂંછ નલી ખટ માસ, તુહિ ન છંડઇ વંક અભ્યાસ.’
((‘મૂર્ખવીશી’માંથી))