મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૨૭.નયસુંદર-સુરસુંદરી રાસ-માંથી


૨૭.નયસુંદર-સુરસુંદરી રાસ-માંથી

ઢાળ ૫મી
    (આ ઢાળમાં પિતાની પુત્રી માટે વિવાહ ચિંતા અને શેઠના દીકરા માટેની
   પસંદગીનો પ્રસંગ સુંદર રીતે વર્ણવાયો છે.)

રાગ રામગ્રી
રાય કહેં રાણી પ્રતિ, સુણો કામિનીજી,
વાત અપૂરવ એક, ગજગામિનીજી;
એ કુમરી સુરસુંદરી, સુણો કામિનીજી,
શીખી વિનય વિવેક, ગજગામિનીજી.          ૧

ચોસઠ કળા કુશળ હવી, સુણો કામિનીજી,
જાણે શાસ્ત્રવિનોદ, ગજગામિનીજી;
દેખી સુતાની ચાતુરિ, સુણો કામિનીજી,
મુજ મન થાય પ્રમોદ, ગજકગામિનીજી.          ૨

યૌવન વય પૂરણ હવી, સુણો કામિનીજી,
રૂપતણો ભંડાર, ગજગામિનીજી;
રાજધાની પંચબાણની, સુણો કામિનીજી,
ગુણ નવિ લાભેં પાર, ગજગામિનીજી.          ૩

શશિવદની મૃગલોચની, સુણો કામિનીજી,
સિંહ હરાવે લંકા, ગજગામિનીજી.
પદમ લીણું જઈ પંક, ગજગામિનીજી.          ૪

એ સરીખો વર કુણ હસેં, સુણો કામિનીજી,
અમ મન ચિંતા એહ, ગજગામિનીજી.
  સરિખા સરિખી જોડી મિલેં, સુણો કામિનીજી,
તો વાઘે બહુ નેહ, ગજગામિનીજી.          ૫

મેં પટ લિખી અણાવીઆ, સુણો કામિનીજી,
રાજકુમર બહુરૂપ, ગજગામિનીજી;
પણ એ યોગ એકુ નહિ, સુણો કામિનીજી,
વળીવળી ભાખે ભૂપ, ગજગામિનીજી.          ૬

નગરશેઠ છે આપણો, સુણો કામિનીજી,
વ્યવહારીઓ સુજાણ, ગજગામિનીજી;
નામે ધનાવહ ધનધણી, સુણો કામિનીજી,
પાળે જિનવર આણ, ગજગામિનીજી.          ૭

પુત્ર અનોપમ તેહનો, સુણો કામિનીજી,
સકળ કળા શિણગાર, ગજગામિનીજી;
રૂપેં અમર હરાવીએ, સુણો કામિનીજી.
નામે અમરકુમાર, ગજગામિનીજી.          ૮
એક નેશાળેં બેહુ ભણ્યાં, સુણો કામિનીજી,
સુતા આપણી સોય, ગજગામિનીજી;
સરિખા-સરિખી છેં કળા, સુણો કામિનીજી,
રૂપેં સરિખા દોય, ગજગામિનીજી.          ૯

શાસ્ત્ર-સંવાદ કરાવીઓ, સુણો કામિનીજી,
સભા માંહિં મેં કોડી, ગજગામિનીજી;
બિહુ તવ સરિખાં પરખિયાં, સુણો કામિનીજી,
એ દીસેં સરિખી જોડી, ગજગામિનીજી.          ૧૦

ચિત્ત રૂચેં જો તાહરે, સુણો કામિનીજી,
તો કીજે એ વાત, ગજગામિનીજી;
કુઅર વ્યવહારી તણો, સુણો કામિનીજી
કરો યુવતી યામાતા ગજગામિનીજી          ૧૧