મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૪૪.નયવિજય


૪૪.નયવિજય

નયવિજય (ઈ.સ. ૧૭મી સદી ઉત્તરાર્ધ) તપાગચ્છમાં વિજયપ્રભસૂરિની પરંપરામાં જ્ઞાનવિજયજીના શિષ્ય નયવિજયજીની વિવિધ છંદોમાં લખાયેલી ‘નેમિનાથ બારમાસા’ કૃતિ તેના વિરહશૃંગારની અભિવ્યક્તિ માટે નોંધપાત્ર છે.

૧ સ્તવન
શ્રી અનંતનાથ જિન સ્તવન
સહજ સનેહી સેવિયે રે લો, સાહિબ! અનંત જિણંદ રે-સુગુણ નર!
સેવ્યા સંપદ પામીયે રે લો, દરિશણ પરમાનંદ રે-સુગુણ.          સહજ. (૧)

સકળ ગુણે કરી શોભતા રે લો, જગજીવન જિનચંદ રે-સુગુણ.
સેવ્યા વંછિત સવિ દીયે રે લો, સાચો સુરતરુ કંદ રે-સુગુણ,          સહજ. (૨)

એ જગમાંહિ જોયતાં રે લો, એ સમ નહિ દાતાર રે-સુ.
ખિણ એક સેવ્યો સાહિબો રે લો, આપે સુખ અપાર રે-સુગુણ.          સહજ. (૩)

સકળ સુરાસુર જેહને રે લો, સેવે બે કર જોડ રે-સુગુણ.
ભગતિભાવ આણી ઘણો રે લો, પ્રણમે હોડાહોડ રે-સુગુણ.          સહજ. (૪)

છ જીવકાચ રક્ષા કરે રે લો, દહવે નહીં તિલમાત રે-સુગુણ.
ક્રોધદિકથિ વેગળો રે લો, અરિહંત તેહ વિખ્યાત રે-સુગુણ.          સહજ. (૫)

રિદ્ધિ અનંતી પ્રભુતણી રે લો, કહેતાં ન આવે પાર રે-સુ.
તોહિ પણ અ-પરિગ્રહી રે લો, કહિયે એ કિરતાર રે-સુગુણ.          સહજ. (૬)

નયવિજય પ્રભુ પ્રણમતા રે લો, નિતુનિતુ જય જયકાર રે-સુગુણ.          સહજ. (૭)