મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૫૮.રણછોડ
રણછોડ (૧૮મી સદી પૂર્વાર્ધ):
મુખ્યત્વે વૈરાગ્યબોધ અને જ્ઞાનબોધનાં પદો રચનાર આ કવિએ વિવિધ રાગઢાળ પ્રયોજ્યા છે. એમનાં પદોમાં સરળતા તથા ઉદ્બોધન-શૈલી નોંધપાત્ર છે. કેટલાંક પદોમાં કૃષ્ણભક્તિનું આલેખન પણ જોવા મળે છે. મધ્યકાળમાં રણછોડ નામે એકથી વધારે કવિઓ મળે છે.
૩ પદો
૧.
દિલમાં દીવો કરો રે...
દિલમાં દીવો કરો રે,
દિલમાં દીવો કરો.
કૂડા કામ ક્રોધને પરહરો રે,
દિલમાં દીવો કરો રે. દિલમાં
દયા-દિવેલ પ્રેમ-પરણાયું લાવો,
માંહી સુરતાની દિવેટ બનાવો;
મહીં બ્રહ્મ અગ્નિ ચેતાવો રે,
દિલમાં દીવો કરો રે. દિલમાં
સાચા દિલનો દીવો જ્યારે થાશે,
ત્યારે અંધારું સૌ મટી જાશે;
પછી બ્રહ્મલોક તો ઓળખાશે રે,
દિલમાં દીવો કરો રે. દિલમાં
દીવો અણભે પ્રગટે એવો,
તનનાં ટાળે તિમિરના જેવો;
એને નયણે તો નરખીને લેવો રે,
દિલમાં દીવો કરો રે. દિલમાં
દાસ રણછોડે ઘર સંભાળ્યું,
જડી કૂંચી ને ઊઘડ્યું તાળું;
થયું ભોમંડળમાં અજવાળું રે,
દિલમાં દીવો કરો રે. દિલમાં
૨
પ્રીતલડી બંધાણી
શામળિયાજી સ્નેહી તારી, પ્રીતલડી બંધાણી વાલા;
વેણા ઉપર હું જાઉં વારી, મીઠી સુખની વાણી વાલ. ૧
નેણાંકેરો ચાળો કાંઈ, કામણ કરે છે વાલા;
ભૃકુટી કમાને બાણે, પ્રાણને લહે છે વાલા. ૨
દીનબંધુ દેવકીનો જોયો, રૂપતણી છે ખાણ વાલા;
તન મન ધન મારું, તે તો તારું જાણ વાલા. ૩
અલકની ઝલકમાં, પલક નવ ઠરે વાલા;
મનડું અધીર મારું, ધીરજ નવ ધરે વાલા; ૪
આંગલું તો અંગ શોભે, રંગનું રસીલું વાલા;
અધર મધુર મોહન, મુખડું હસીલું વાલા. ૫
નાસિકામાં નિર્મળ મોતી, જોતી મોતી જોત વાલા;
કેસરની તો આડો કીધી, શોભે ટપકી સોત વાલા. ૬
આંખલડીમાં અમી ઝરે છે, પ્રેમનો નહિ પાર વાલા;
શશી સૂરજ ઝાંખા પડિયા, તેજનો અંબાર વાલા. ૭
કાને કુંડળ ઝળહળે, શોભામાં શોભાળ વાલા;
હારના શણગાર મધ્યે, મોતિયોની માળ વાલા. ૮
જરકસીની પાગ માથે, કલગીનો તોરો વાલા;
કોટમાં કૌસ્તુભમણિ છે, સોઈયે સોના દોરો વાલા ૯
કટિમેખળા કર કંકણી, રૂડી રીતે રાજે વાલા;
નેપૂરને નૌતમ પાએ, ઘૂઘરીમાંએ ગાજે વાલા. ૧૦
અણવટ વિછુઆનો છેલ, બનિયો છંદ વાલા;
મુદ્રા પોંચી કલ્લૈયો ને, બાંધે બાજુબંધ વાલા. ૧૧
ઝીણી ને પછોડી ખંભે, જરકસીનો જામો વાલા;
સુંથણીની શોભા જોઉં, રહે મોહન મુજ સામો વાલા. ૧૨
નખ શિખ સુધી રૂપ, નિરખીને તારું વાલા;
અંગમાં ઉમંગ ચઢ્યો, મોહ્યું મનડું મારું વાલા. ૧૩
બેઉ હતાં તે એક થયાં, અંતર નવ રહ્યો વાલા;
મહા રસ રણછોડે, કેમ જાય કહ્યો વાલા. ૧૪
૩.
લીલા રાસવિલાસની
પાછાં શ્રી યમુના ત્રઠ આવ્યાં, ગોપી સુંદરશ્યામ જી;
ત્રઠની વેલુ સુંદર શોભે, જોતાં અતિ અભિરામ. શ્રી હરિ
શીતલ સુરભ મંદ મારુત, ત્રિવિધ અતિ સુખકંદ જી;
પદ્મ પરાગ પરસીને આવે, ઉપજે અતિ આનંદ. શ્રી હરિ
કર પ્રસારણ કરે કો સાથે, કોશું આલિંગન દેતા જી;
કોહોના કર ગ્રહીને કોહોના, કેશપાસ ગ્રહી લેતા. શ્રી હરિ
અંગોઅંગ અડી કોહોને, કેહને દે નખ દંત જી;
લીલા રાસ વિલાસની રમતાં, ગોપી શ્રી ભગવંત. શ્રી હરિ
કામ અધિક ઉપજાવ્યો હરિયે, હરિથી પામી માન જી;
નિજ આત્માને ધન્ય જ માન્યો, રૂપનું થયું અભિમાન. શ્રી હરિ
હરિએ હૈયાની તતક્ષણ જાણી, જે દ્રાષ્ટા પુરુષપુરાણ જી;
ગર્વ ટાળવા રણછોડના, પ્રભુ થયા અંતરધ્યાન. શ્રી હરિ