મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૫૯.કાયમુદ્દીન ચિસ્તી


૫૯.કાયમુદ્દીન ચિસ્તી

કાયમુદ્દીન [ચિશ્તી] (૧૮મી સદી)
જ્ઞાનમાર્ગ અને પ્રેમલક્ષણાનાં પદો લખનાર આ મુસ્લિમ સંત કવિને હિંદુ-મુસલમાન બંને કોમના અનુયાયીઓ મળેલા.
૨ પદો

(૧)
મારો ન્યારો છે તે ભેદ
મારો ન્યારો છે તે ભેદ, ન જાણે સૌન કોઈ અલ્લાહ! (ટેક)

જ્યાં રે પવન સંચરે નહીં રે, ત્યાં છે નૂર અપાર;
પ્રેમ પિશાચો પીતાં ભૂલ્યા, જેવો નૂર દિદાર,          –ન જાણે

અગમ આકાશમાં નૂર તૂર છે, તેશું લાગે પ્રીત;
સુરત પગથિયે સીડી ચઢિયે, તો લીધો અગમગઢ જિત          –ન જાણે

ન જાણે કોઈ જોગી સંન્યાસી, ના જાણે સંસાર;
જાણે કોઈ વિરલો ભેદુ, આશક મસ્ત દિદાર.          –ન જાણે

ના જાણે કોઈ તપસી તપિયો, જાણે નહીં કોઈ સિદ્ધ;
જાણે કોઈ સત્ગુરુનો બાળક, ચીન્યું હોય અનહદ.          –ન જાણે

શાહ કાયમદીન અનહદવાસી, લોક રહે હદમાંય;
તે શું જાણે ઉદ્બુદ ભેદો, દેશી હો તે પાય!          –ન જાણે


(૨)
મારે મન તો સવળું ભાસે
મારે મન તો સવળું ભાસે, લોક અવળું વિચારે;
આપે હિન્દુ, આપે મુસલમિન, દુઈ કોનામાં પાડે?          –ટેક

ઘાટ તો એ બીજો ઘડ્યો, જીવ ઈસ્મ રૂપી લોકો;
એમાં તો કાંઈ વિગત નથી, કહો ચાવલ કે ચોખો!          –મારે

પહેલાં તો સાંઈ આપે હતા, પછીથી હઝરત કીધા;
આપસમાંથી સૌ ઉપજ કરી લે, નામ બીજાં રે દીધાં!          –મારે

લોકોનું જો કીધું કરું તો, મારું કારજ બગાડે;
હિન્દુ મુસલમિન બે અળગા નિરખે, સાહેબથી વિધ્ન પાડે.          –મારે

શાહ કાયમદીનને મન પિયુ એક છે, રે દુઈ દુનિયાને મારો!
મારે તો સાહેબ થકી કાજ છે, લોક મન માને તે વિચારો!          –મારે