મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૬૮.જેઠીરામ


૬૮.જેઠીરામ

જેઠીરામ (૧૮મીસદી)
કચ્છના આ નૈષ્ઠિક સંત કવિ દેવાસાહેબના શિષ્ય હતા, એમણે અધ્યાત્મ ઉપદેશનાં પદો લખ્યાં છે.
૩ પદો


કોઈ નૂરીજન નજરે આવે!

મન માંયલાની ખબરું લાવે રે,
કોઈ કામ કરોધને હટાવે રે;
કોઈ એવા નૂરીજન નજરે આવે...જી

જ્ઞાની હોય સો જ્ઞાન બતાવે, રૂડા ભરમોના ભેદ બતાવે,
રામનામની રટણાયું રટી લે, અંધિયારો મટી જોવે;
કોઈ એવા નૂરીજન નજરે આવે...જી

સંસાર-સાગર મહાજળ ભરિયો, હરિજન વા’ણ હોકારે,
એના માલમીને પકડ વશ કરો લો, પાર ઊતરી જાવે;
કોઈ એવા નૂરીજન નજરે આવે...જી

નિજ નામાનાં નાંગળ નાખીને,પવન-પુરુષ પધરાવે,
અસલ જુગની અમર વાદળી, મોતીડે વરસાવે;
કોઈ એવા નૂરીજન નજરે આવે...જી

સતકી રોટી, સબસે મોટી, પ્યાસ હોય સો પાવે,
દોઈ કર જોડી જેઠીરામ બોલ્યા, કર્યા કરમ કંહીં જાવે;
કોઈ એવા નૂરીજન નજરે આવે...જી



ભગતીનો મારગ રે

ભગતીનો મારગ રે, ફૂલ કેરી પાંખડી રે
સુંઘે તેને રે સવાદ.          – ભગતીનો૦
કરણીના પૂરા રે, શૂરા થૈ ચાલશે રે
કાયર ખાશે માર.          – ભગતીનો૦

ધરતીના ધીંગા રે પૂરા નર જે હશે
મરજીવા ખેલે રે મેદાન.          – ભગતીનો૦

સ્વાદને સુંધ્યા રે ગોપીચંદ ભરથરી રે
જેને વનમાં ઊપજ્યો વેરાગ.          – ભગતીનો૦

ગુરુના પ્રતાપે રે જેઠીરામ બોલિયા રે
દેજો અમને સંત ચરણમાં વાસ.          – ભગતીનો૦





અમને અમારી કાયા રે તણો નહીં વિસવાસ...

અમને અમારી કાયા રે તણો નહીં વિશ્વાસ
પારકાનાં અવગુણ રે દીલડામાં નો આણીરે હો જી
–એવો પારકો આજો રે દિલમાં નવ આણીએ રે હો જી...૦

નવ તેરી નગરી, કાયા તારી ખૂબ રે બની હો મેં વારી જાઉં,
એમાં અવળા સવળા મણિયારે માંડ્યા છે હાટ...
–એવો પારકો આજો રે દિલમાં નવ આણીએ રે હો જી...૦

નેવાં તારા નમિયા, ભીતું ગળવાને લાગીયું રે, હો મેં વારી જાઉં,
એવી ગળવા લાગી મંદિરયાની પછીત...
–એવો પારકો આજો રે દિલમાં નવ આણીએ રે હો જી...૦

હંસો રાજા ચાલ્યો, પિંજર તારૂં પડતું મેલી,હો મેં વારી જાઉં,
એવી મેલી ચાલ્યો સરોવરીયાની રે પાળ...
–એવો પારકો આજો રે દિલમાં નવ આણીએ રે હો જી...૦

ગુરુના પ્રતાપે જેઠી રામ બોલિયા રે હો મેં વારી જાઉં,
એવા જેઠીરામ તો ગત રે ગંગાજીના દાસ,
–એવો પારકો આજો રે દિલમાં નવ આણીએ રે હો જી...૦