મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૭૬.મોરારસાહેબ


૭૬.મોરારસાહેબ

મોરારસાહેબ (૧૮મી ઉત્તરાર્ધ):
રવિભાણ સંપ્રદાયના આ સંતકવિએ પ્રેમલક્ષણા ભક્તિનાં, કૃષ્ણ ઉપરાંત રામ અને શિવનો મહિમા ગાતાં, જ્ઞાનબોધક તથા વૈરાગ્ય-ઉપદેશક ઘણાં પદોની રચના કરેલી છે. લોકપ્રચલિતદૃષ્ટાન્તો, વિવિધ અલંકારો અને રાગઢાળોને પ્રયોજતાં એમનાં પદોમાં ભાવની માર્મિકતા અને તળપદા તેમજ હિંદી-ફારસી શબ્દોથી રચાતું ભાષાપોત ધ્યાનપાત્ર છે. પદોથી લોકપ્રિય થયેલા આ કવિએ આ ઉપરાંત ગરબીઢાળમાં રચાયેલી ‘બારમાસી’ની રચના પણ કરી છે. અન્ય કૃતિઓ ગુજરાતીમિશ્ર હિંદીમાં રચાયેલી છે.
૨ પદો


૧.
મારું ચિતડું ચોરાયલ રે...
મારું ચિતડું ચોરાયલ રે, મનડું વિંધાયલ રે
કોડિલા વર કાનસેં,
હરિ વિના વાધેલ વ્રેહને વેરાગ રે
ઓધાજી, વાતું કેને કૈયેં?
પ્રીત્યું છે પૂરવની રે, નવિયું નથી નાથજી હો મેં વારી જાઉં,
છોડી નવ છૂટે રે હો મર જાય શરીર રે,
ઓધાજી, વાતું કેને કૈયેં?          –મારું

ધીરજ કેમ ધરીએં રે, વ્રેહ કેમ વિસરિયેં, હો મેં વારી જાઉં,
તેણે કાંઈ તપે હમારાં તન રે, ઓધાજી, વાતું કેને કૈયેં?          –મારું

દોહ્યલા દિવસ રે, જાય જુગ જેવડા, હો મેં વારી જાઉં,
રજની કાંઈ રુદન કરતાં વિહાઈ રે, ઓધાજી, વાતું કેને કૈયેં?          –મારું

પ્રાણને પિંજરિયે રે હરિ, વળૂંભી રહ્યા, હો મેં વારી જાઉં,
નેણે કાંઈ નિરખવા નંદકુમાર રે, ઓધાજી, વાતું કેને કૈયેં?          –મારું

મોરારના સ્વામી રે, ગોપીજન વીનવે, હો મેં વારી જાઉં,
દરશન અમને દેજો દીનદયાળ રે, ઓધાજી, વાતું કેને કૈયેં?          –મારું
 
૨.
કહોને ઓધવજી
કહોને ઓધવજી અમે કેમ કરિયે, મનડાં હેરાણાં પ્યારા મોરલિયે;
વ્યાકુળ થઈને અમે વનમાં ફરિયે, હરિહરિ મુખથી ઓચરીયે.          –કહોને ૧

નથી રે’વાતું ચિત્ત ચોરી લીધાં, પ્રીત કરીને પરવશ કીધાં;
એને રે ચરણે અનેક સિધાં, પ્રેમના પિયાલા પાઈને પીધા.          –કહોને ૨

દરશન દીઓ તો મારે દીવાળી, વ્હાલા લાગો છો અમને વનમાળી;
ત્રિભુવન સાથે મારી લાગી તાળી, નથણાં રહ્યાં છે માહારાં ન્યાળી.–કહોને ૩

વેદે નિષેધ કીધી રે નારી, ઓતમ કરી વ્હાલે ઓધારી;
વ્હેતે પુરથી વ્હાલે લીધાં વાળી, બહુ રે નામિયે બિરદ સંભાળી.          –કહોને ૪

પ્રગટરૂપે હરિ પરમાણું, જુગના જીવન મારે સાચું નાણું;
દાસ મોરારને રવિ ગુરુનું બાનું, છુપાવ્યું નહિ કદી રહે છાનું.          –કહોને ૫