મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ ગુરુ અંગ


ગુરુ અંગ

અખાજી

ગુરુ થઈ બેઠો હૂંસે કરી, કંઠે પા’ણ શકે ક્યમ તરી?
જ્યમ નાર નાનડી હવું પ્રસૂત, વળતી વાધે નહિ અદ્ભુત.
ત્યમ શિષ્યને ભારે ભારો રહ્યો, અખા તે મૂળગેથો ગયો.          ૧૨

પોતે હરિને ન જાણે લેશ, અને કાઢી બેઠો ગુરુનો વેશ.
જ્યમ સાપને ઘેર પરોણો સાપ, મુખ ચાટી વળ્યો ઘેર આપ.
એવા ગુરુ ઘણા સંસાર, તે અખા શું મૂકે ભવપાર?          ૧૩

તું તારું સલૂઝીને બેસ, કાં ચોળે ડિલ પિયારી મેશ?
તૂંબડું જ્યમ માંહેથું મરે, તો જે લેઈ પેસે તે સહુ તરે.
જ્યમ તરુવર ફલ આપવા નવ જાય, અખા આવી જાચે તે ખાય.          ૧૪

આપે આપ પૂરણબ્રહ્મ હરિ, પોત પસાર્યું રચના કરી.
ચૈતન્ય બ્રહ્મશલાનું ચિત્ર; ઋષિ યક્ષ માનવ દેવ પશુ પિત્ર
થાય જાય એ માયાભેદ, પણ અખા ચૈતન્યનો નોહે ઉછેદ.          ૧૭
કવિ અંગ

કવિતા ઘણા કવિ કવી ગયા, આદ્યાપિ કવે છે પ્રત્યક્ષ રહ્યા.
વળી આગળે કવશે બહુ કવિ, સર્વ મનની વૃત્ય જોજો અનુભવી.
અખા મનાતીત ત્યમનું ત્યમ, એ તો મનની વૃત્યમાં મનની ગમ.          ૨૧

જ્ઞાનીને કવિતા ન ગણેશ, કિરણ સૂર્યનાં કેમ વણેશ?
શબ્દ કેરો શઢ ક્યમ થાય? આકાશ તે ક્યમ તોળ્યું જાય?
એવું વચન અણલિંગી તણું, અખા નહીં કો પર આપણું.          ૨૨