મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ પ્રપંચ અંગ
પ્રપંચ અંગ
અખાજી
પૂજાવા મનમાં બહુ કોડ, શબ્દ તણા જોડે બહુ જોડ.
જ્યમ ભૂખ્યો નર બહુ તક્રા પીએ, જાણે ઉદર ભરીને પુષ્ટિ પામીએ,
તેણે ધરાયે નહિ ને વાધે રોગ, એમ અખા નોહે આતમભોગ. ૧૬૫
કવિતા થઈ અધિકું શું કવ્યું, જો જાણ્યું નહિ બ્રહ્મ અણચવ્યું?
રાગદ્વેષની પૂંજી કરી, કવિ વ્યાપાર બેઠો આદરી.
તેમાં અખા શું પામે લાભ, વાએ ગયો જેમ સ્રીનો ગાભ?
તેણે ધરાયે નહિ ને વાધે રોગ, એમ અખા નોહે આતમભોગ. ૧૬૬
ગુરુ કર્યા મેં ગોકુળનાથ, નગુરા મનને ઘાલી નાથ.
મન મનાવી સગુરો થયો, પણ વિચાર નગુરાનો નગુરો રહ્યો.
વિચાર કહે પામ્યો શું અખા? જન્મજન્મનો ક્યાં છે સખા? ૧૬૮
બહુ કાળ હું રોતો રહ્યો, આવી અચાનક હરિ પરગટ થયો.
ત્રણ મહાપુરુષ ને ચોથો આપ, જેનો ન થાયે વેદે થાપ,
અખે ઉરઅંતર લીધો જાણ, ત્યાર પછી ઊઘડી મુજ વાણ. ૧૬૯