મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ ભાષા અંગ


ભાષા અંગ

અખાજી

ભાષાને શું વળગે, ભૂર! જે રણમાં જીતે તે શૂર.
સંસ્કૃત બોલ્યે શું થયું, કાંઈ પ્રાકૃતમાંથી નાશી ગયું?
બાવનનો સઘળો વિસ્તાર, અખા ત્રેપનમો જાણ્યે પાર.          ૨૪૭

સંસ્કૃત પ્રાકૃત વડે ભણે; જ્યમ કાષ્ઠ વેષે કરે ભારા તણે,
તે છોડ્યાવહોણો નાવે અર્થ, ત્યમ પ્રાકૃત વિના સંસ્કૃત તે વ્યર્થ.
જ્યમ બાધા દામ વ્યાપારી લખે, પણ અખા વણજ નો હે છૂટાપખે.          ૨૪૮

અર્ખે કરખે અનુભવમાં કશા, જ્યમ આકાશ ઉદરમાં વરતે દશે દિશા.
જ્યારે જેનું રાજ જ જાણ, ત્યારે માનવી તેની આણ.
જ્ઞાન ગગનમાં નોહે દેશકાળ, એ તો અખા અણજાણ્યા બોલે આળ.          ૨૪૯