મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ વૈરાગ્ય અંગ


વૈરાગ્ય અંગ

અખાજી

સત્ય વૈરાગ્ય સ્વેં જાણો હરિ; ત્યાં માયા નહિ, શું ગ્રહીએ આદરી?
જ્યમ નવે ગ્રહના રતન મૂલવાય, પણપારસનું મૂલ કોણે ન થાય.
અખા તે વૈરાગ્ય વિચાર, કાંઈ વેષ તુંને નહિ મૂકે પાર.          ૨૮

જતિ કહાવે તો મનને જીત, બાકી જે કરેશ તે રીત.
ચાર વરણ ને આશ્રમ ચાર, જ્યાં અવતરે ત્યાં વેશવહેવાર.
અખા વાત પામ્યો શી નવી? એ તો લાગ્યું તે છૂટો ભોગવી.          ૨૯

ગોળે મરે, કાં શોધે વખ? તપી ભમી કાં પામે દુ:ખ?
કરતા ફરતા દીસે ઘણા, જ્યમ તાતી વેળુમાંહે ચણા.
અખા ઊડી તે અળગો પડે, જો વસ્તુવિચાર સદ્ગુરુથી જડે.          ૩૧

હેત વિના પ્રવૃત્ય બહુ વધે, જ્યમ હૂંસે કુબુદ્ધિ બેસે ગધે.
ત્યમ દેખાદેખે સહુ કો કરે, પણ કો ન જુએ જે શું છે સરે.
અખા જો વિચારી જુએ, તો રોતાં દેખી સહુ કો રુએ.          ૩૨