મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અખેગીતા પદ ૧૦


પદ ૧૦

અખાજી

(રાગ ધનાશી)
અભિનવો આનંદ આજ, અગોચર ગોચર હવું એ;
પરપંચપાર મહારાજ, તે પૂરણ બ્રહ્મ હું સ્તવું એ.

હરિહર અજ ભુવનેશ, તે તણો ઈશ અજાપતિ એ;
તે જાણો અંગ ઈશ, જેહને ગાય નિત્ય શ્રુતિ એ,

સ્વેં ચૈતન્ય ઘનરાય, શૂન્યમાં સોહામણો એ;
તે ના’વે વાણી માંહે, તે નહિ વિરાટ ને વામણો એ.

તે જાયે ન આવે ક્યાંહી, સ્થિર પૂરણ અવિનાશ છે એ;
લિંગ-ભંગ તેમાં નહિ, જે વડે આકાશ છે એ.

એ જાણ્યે જાયે જંજાલ, યથારથ જેમ તેમ થયું એ;
જિહાં કર્મ ન લાગે કાલ, સભર ભરાઈ તે રહ્યું એ.

તિહાં હવું મન લેલીન, જઈ ચૈતન્ય સભર ભર્યું એ;
નહિ કો દાતા-દીન, તન-મન સહજે સજ થયું એ.

પ્રગટ્યાં કોટિ કલ્યાણ, આપાપાર વિણસે રહ્યું એ;
સદા સદોદિત ભાણ, ઉદે-અસ્ત આ કારણ ગયું એ.

કહે અખો આનંદ, અનુભવને લેહવા તણો એ;
એહવો પૂર્ણ પરમાનંદ, નિત્ય સરાઉં અતિઘણો એ.