મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /આનંદઘન પદ ૧
પદ ૧
આનંદઘન
મૂલડો થોડો ભાઈ વ્યાજડો ઘણો રે,
કેમ કરી દીધો રે જાય?
તલપદ પૂંજી મેં આપી સઘલી રે,
તોહે વ્યાજ પૂરું નહિ થાય. મૂલડો.
વ્યાપાર ભાગો જલવટ થલવટે રે,
ધીરે નહિ નીસાની માય;
વ્યાજ બોડાવી કોઈ ખંદા પરઠવે રે,
તો મૂલ આપું સમ ખાય. મૂલડો
હાટડું માંડું રૂડા માણેકચોકમાં રે,
સાજનિયાંનું મનડું મનાય,
આનંદઘનપ્રભુ શેઠ શિરોમણિ રે,
બાંહડી ઝાલજો રે આય. મૂલડો