મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ઓખાહરણ કડવું ૨૯


કડવું ૨૯

પ્રેમાનંદ

રાગ ધનાશ્રી
‘પુત્રી! પધારો રે, સોભાગણી! સાસરે રે,
ભાગ્ય તારાની તુલના કુણ કરે રે?
અમો અપરાધી અવગુણભર્યાં રે,
અમે તમને બહુ દુખિયાં કર્યાં રે.          ૧

ઢાળ

દુખિયાં કીધાં, દીકરી! મરણ લગી નહિ વીસરે રે,
માતાપિતા શત્રુ થયાં, મનની ખટક કેમ નીસરે રે?          ૨
બાઈ! બાપે બંધન બાંધિયાં, દોહિલાં વેઠ્યાં, દીકરી!
મોટું ઘર વર પામિયાં, તે તું તારે કર્મે કરી;          ૩
જાદવકુળ વસુદેવજી, દેવકી ને રોહિણી,
બલિભદ્ર, સાત્યકિ, પ્રદ્યુમન, શ્રીકૃષ્ણ ત્રિભોવનધણી;          ૪
રુકિમણી ને સત્યભામા, જાંબુવતી ને રેવતી,
રખે દીકરી! આળસ કરતી, ચરણ તેનાં સેવતી;          ૫
ઉગ્ર પુણ્યે, ઓખાબાઈ! પામી અનિરુદ્ધ નાથને,
એ સુખ આગળ દુ:ખ વીસરશે, પણ જોખમ બાણના હાથને.          ૬
શી શિખામણ દેઉં, દીકરી? અમારી લાજ વધારજે,
પ્રીતે પતિ આજ્ઞા આપે તો પિયર ભણી પધારજે;          ૭
સસરા-જેઠની લાજ કાઢજે, નવ બોલીએ ઊંચે સ્વરે,
આધું ઓઢીને હીંડીએ, દૃષ્ટ રાખીએ ભોમ ઉપરે;          ૮
રૂડી-ભૂંડી વાત વિસ્તારી, સાંભળીને વિચારીએ,
ઉઘાડા કેશ ન મેલીએ, ઘણું ઝીણું વસ્ર ના પહેરીએ;          ૯
ભાઈ વિના કો પુરુષ સાથે ગાન-ગોઠ ન કીજીએ,
સાસુ-સસરો રીસ કરે તો સામો ઉત્તર ના દીજીએ.          ૧૦


પરાયે ઘેર જઈએ નહિ, નહિ જોઈએ અરુંપરું,
પૂછ્યા પછે ઉત્તર દીજે, જથારથ બોલીએ ખરું;          ૧૧
દાસી માણસનો સંગ ન કરીએ, પિયરને ન વખાણીએ;
અનંત અવગુણ હોય સાસુ તણા, સ્વામી-મુખ ન આણીએ.          ૧૨
મોટે સાદે હસીએ નહિ, કોઈ સાથે તાલી ન દીજીએ,
ઊભા રહી ઉઘાડે માથે, મારી પુત્રી! પાણી ન પીજીએ.          ૧૩
ભરથાર પહેલું જમીએ નહિ, ઉચિષ્ટ જમીએ નાથનું,
‘તું’ કારીએ નહિં સેવક સાદે, માન રાખીએ સહુ સાથનું.          ૧૪
દિવસે ના સૂઈએ, દીકરી! વચન પ્રભુજીનાં પાળીએ,
સાસુ-સસરો સાદ કરે તો ‘જી જી’ કહી ઉત્તર વાળીએ.          ૧૫
એમ ઓખાને વિદાય આપી, વર્ત્યો જયજયકાર,
શ્રીકૃષ્ણ પધાર્યા દ્વારકા પરણાવી કુમાર.          ૧૬
ઓખાહરણ અતિ અનુપમ, તપ ત્રણે જાય,
શ્રોતા થઈને સાંભળે તેને વૈકુંઠપ્રાપ્તિ થાય;          ૧૭
ગોવિંદચરણે ગ્રંથ સમર્પ્યો, ગુરુને નામ્યું શીશ,
ઓખાહરણ જે ભાવે સાંભળે તેને કૃપા કરે જગદીશ.          ૧૮
ઓગણત્રીસ કડવાં એનાં છે, પદસંખ્યા કીધી નથી,
સુણે, ભણે ને અનુભવે, તેની પીડા જાયે સર્વથી.          ૧૯
વીરક્ષેત્ર મધ્યે વાસ વાડીમાં, વિપ્ર ચતુર્વિંશી જાત,
પ્રેમાનંદ આનંદે કહે, જય જય વૈકુંઠનાથ.          ૨૦