મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ગંગાસતી પદ ૧૧


પદ ૧૧

ગંગાસતી

જીવને શિવની થઈ ગઈ એકતા ને,
પછી કહેવું રહ્યું નથી કાંઈ ને;
દ્વાદશ પીધો જેણે પ્રેમથી ને,
તે સમાઈ રહ્યો ધુનની માંઈ રે...          જીવને. ૧

ભાઈ રે! તમે હરિ હવે ભરપૂર ભાળ્યા ને,
વરતો કાયમ ત્રિગુણથી પાર રે;
રમો સદા એના સંગમાં ને,
સૂરતા લગાડો બાવન બાર રે...          જીવને. ૨

ભાઈ રે! મૂળ પ્રકૃતિથી પાર થઈ ગયાં ને;
તૂટી ગઈ સઘળી ભ્રાંત રે;
તમારું સ્વરૂપ તમે જોઈ લીધું ને,
જ્યાં વરસે છે સદા સ્વાંત રે...          જીવને. ૩

ભાઈ રે! સદા આનંદ હરિના સ્વરૂપમાં ને,
જ્યાં મટી મનની તણાવાણ રે;
ગંગાસતી એમ બોલિયાં ને,
તમે પદ પામ્યાં નિરવાણ રે...         જીવને. ૪