મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ગંગાસતી પદ ૧૫
પદ ૧૫
ગંગાસતી
પ્રેમલક્ષણા ભક્તિ જેને પ્રકટી તેને,
કરવું પડે નહિ કાંઈ રે;
સતગુરુ વચનુની છાયા પડી ગઈ તેને,
અઢળક પ્રેમ જાગ્યો ઉરમાંય...દાઢ.
ભાઈ રે! પ્રેમલક્ષણા ભક્તિ શબરીએ કીધી ને,
હરિએ આરોગ્યાં એઠાં બોર;
આવરણ અંતરમાં એકે નહિ આવ્યું ને,
ત્યાં ચાલે નહિ જમનું જોર...૧
ભાઈ રે! પ્રેમ પ્રગટ્યો વિદુરની નારી ને રે,
ભૂલી ગઈ દેહ કેરું ભાન રે;
કેળાંની છાલમાં હરિને રિઝાવ્યા ને,
તેને છૂટ્યું અંતરનું માન રે...૨
ભાઈ રે! એવો પ્રેમ પાનબાઈ જેને પ્રગટ્યો ને,
સ્હેજે હરિ ભેગો થાય રે,
ગંગાસતી એમ બોલિયાં ને રે,
તેથી જમરાજ દૂર જાય રે...૩