મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ગંગાસતી પદ ૨૧


પદ ૨૧

ગંગાસતી

હરિનો દેશ
મનને સ્થિર કરી આવો રે મેદાનમાં ને
મિટાવું સરવે ક્લેશ રે,
હરિનો દેશ તમને એવો દેખાડું ને
જ્યાં નહીં વર્ણ ને વેશ રે –

સૂક્ષમ સૂવું ને સૂક્ષમ ચાલવું ને
સૂક્ષમ કરવો વે’વાર રે,
શરીરની સ્થિરતામાં ચિત્ત જેનું કાયમ ને
વરતી ન ડોલે લગાર રે.          – મનને૦

કુબુદ્ધિવાળાનો સંગ તજવો ને
રહેવું એકાંતે અસંગ રે,
કૂંચી બતાવું એનો અભિયાસ કરવો ને
ચડાવવો નિત્ય નવો રંગ રે.          – મનને૦

ચિત્ત વિષયમાંથિ ખેંચવું ને
રે’વું સદાય ઇન્દ્રિયજીત રે
ગંગાસતી એમ બોલિયાં જે
તેથી થાય નૈ વિપરિત ચિત્ત રે.          – મનને૦