મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ગંગાસતી પદ ૪


પદ ૪

ગંગાસતી

પી લેવો હોય તો રસ પી લેજો પાનબાઈશ્ર
પિયાલો આવ્યો છે તત્કાળ;
વખત ગયા પછી પસ્તાવો થાશે પાનબાઈ!
અચાનક ખાશે તમને કાળ –          પી લેવો.
ભાઈ રે! જાણવી હોય તો વસ્તુ જાણી લેજો પાનબાઈ!
નીકર જમીનમાં વસ્તુ જાશે;
નખશિખ ગુરુજીએ હૃદયમાં ભરી તો આ
ઠાલવવાનું ઠેકાણું કે’વાશે          પી લેવો.
ભાઈ રે! આપ રે મૂવા વિના સંત નહિ આવે પાનબાઈ
ગુરુગમ વિના ગોથાં મરને ખાવે,
ખોળામાં બેસારી તમને વસ્તુ આપું જેથી,
આપાપાણું ગળિ તરત જાવે          પી લેવો.
ભાઈ રે! આ વખત આવ્યો છે મારે ચેતવાનો પાનબાઈ
માન મેલીને થાવને હુશિયાર;
ગંગા રે સતી એમ બોલિયાં રે,
હવે તમે હેતનાં બાંધો હથિયાર.          પી લેવો.